સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્ર, ઓડિશાથી 80 હજારથી 1.50 લાખ રૂ.માં 84 યુવતીઓ વેચાઈ

DivyaBhaskar 2019-06-04

Views 1

સુરેન્દ્રનગર જિલ્લામાં પછાત અને સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં લોકો પરિવારની દીકરીઓને પરણાવવાનું ટાળતા હોવાથી અનેક યુવાનોને દલાલોની મદદથી રાજ્યબહારથી કન્યા મેળવવી પડે છે મહારાષ્ટ્રના નાગપુર, ઔરંગાબાદ અને સોલાપુરથી લઈને છેક ઓડિશાથી દલાલો દ્વારા હિન્દીભાષી યુવતીઓના 80 હજાર રૂપિયાથી લઈને દોઢ લાખ રૂપિયામાં રીતસર સોદા થાય છે અનેક કિસ્સામાં કન્યાઓ લગ્ન બાદ છૂમંતર થઈ જતી હોવાના બનાવો પણ નોંધાયા છે

4 જેટલા કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ
રણકાંઠામાં આવા કુલ 84 લગ્નમાંથી 13 જેટલી ‘લૂટેરી દુલ્હનો’ લગ્નના એકાદ બે દિવસ કે અઠવાડિયામાં ગાયબ થઇ જવાના બનાવો બન્યા છે જેમાં 4 જેટલા કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે જેમાં પાટડીના વિંઝુવાડા ગામના 48 વર્ષના કનુભાઈ મકવાણા નામના આધેડનો કિસ્સો ચોંકાવનારો છે આ આધેડ ઔરંગાબાદની 23 વર્ષની પ્રિયંકા શર્મા દ્વારા બબ્બે વખત છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમણે દોઢ લાખ રૂપિયા ચૂકવીને આ યુવતી સાથે લગ્ન કર્યા હતા લગ્નની રાત્રે જ યુવતી ભાગી જતા આધેડે પોલીસ કેસ કરીને દલાલો તથા યુવતીને જેલભેગા કર્યા હતા બાદમાં આધેડે પોતે યુવતીને જામીન અપાવી ઘરે પરત લાવ્યા હતા પણ 12 દિવસ પછી યુવતી ફરી છૂમંતર થઈ ગઈ હતી

લગ્ન કરવા રૂ 80000થી લઇને 150000 સુધીમાં સોદાઓ કરે છે
રણકાંઠા વિસ્તારમાં લગ્ન માટે પાત્ર નહીં મળવાથી 40-45 વર્ષની ઉંમરે પહોંચેલા મૂરતિયા દલાલોને પકડીને નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કરવા રૂ 80000થી લઇને 150000 સુધીમાં સોદાઓ કરે છે લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં યુવતી રોકડ અને સોના ચાંદીના દાગીના સેરવી પલાયન થઇ જાય છે યુવાન પરપ્રાંતમાં એ યુવતીને શોધવા જાય છે ત્યાં સુધીમાં તો એ યુવતીનો નાણા લઇ બીજી જગ્યાએ સોદો થઇ જાય છે

દલાલનું સ્ટિંગ ઑપરેશન | રિપોર્ટર : 41 વર્ષના ભાઈનું ગોઠવવું છે, દલાલ : એક લાખથી વધુ થશે

દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે સમગ્ર નેટવર્કની મૉડ્સઓપરેન્ડી જાણવા દલાલ સાથે ડમી ગ્રાહક તરીકે વાતચીત કરી હતી
રિપોર્ટર:પાટડીથી નંબર મળ્યો, એક ભાઇનું નાગપુર ગોઠવવાનું છે?
દલાલ :એ ભાઇની ઉંમર કેટલી છે ? અને ક્યાં ના છે ?
રિપોર્ટર:એ ભાઇની ઉંમર 41 વર્ષ છે અને એ બાવળાના છે
દલાલ :ઓ હો 41 વર્ષ એના માટે છોકરી ગોતવી અઘરી છે અગાઉ અમે નાગપુરના ગામડામાં અઠવાડીયુ રોકાયા ‘તા ત્યારે માંડ મેળ પડેલો બાવળામાં અે ભાઇ શું કામ કરે છે ?
રિપોર્ટર:એ ભાઇને મેઇન બજારમાં મોબાઇલની પોતાની દુકાન છે કેટલો ખર્ચો થાય એમાં ?
દલાલ :પાટડીવાળા ભાઇને પૂછજો કે આજથી પાંચ સાત વર્ષ પહેલા એક લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો હાલમાં એનાથી દસેક હજાર વધારે સમજવાના
રિપોર્ટર:મને ક્યારે જવાબ આપશો થોડી ઉતાવળ છે
દલાલ :હું તપાસ કરાવી લઉ પછી પાટડી આવું એટલે રૂબરૂ મળીએ

ફેરાના નામે હેરાફરીના કિસ્સા

1) પાટડીનો એક યુવાન સોલાપુરથી યુવતીને સોદો કરીને પાટડી લાવ્યો હતો મંદિરમાં લગ્નના એકાદ અઠવાડીયા બાદ પિયર જવાનું કહીને યુવતી પાછી ન ફરતા અને એ યુવતીનો ફોન પર કોઇ જ સંપર્ક ન થતાં એ યુવાન સોલાપુર જઇને યુવતીના ઘેર પૂછપરછ કરતા એ સામેના ઘરે જ અન્યની પત્ની હોવાનો ઘટસ્ફોટ થયો હતો

2) પાટડીનો એક યુવાન દોઢ લાખ ખર્ચીને ઓરિસ્સાથી યુવતીને ઘેર લાવ્યા બાદ વર્ષ પછી એને ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી યુવતીની અગાઉ સિઝેરીયન સર્જરી થયાની જાણ થતા તેના અગાઉ લગ્ન થયાનો ખ્યાલ આવ્યો હતો બાદમાં યુવક પત્નીને ઓડિશા મૂકી આવ્યો અને સંબંધ તોડવા બીજા રૂ 80 હજાર આપવા પડ્યા

3) પાટડી તાલુકાનો એક યુવાન મહારાષ્ટ્રના સોલાપુરથી રૂ સવા લાખનો ખર્ચો કરી લગ્ન કરીને એક યુવતીને લાવ્યાના એક જ અઠવાડીયામાં યુવતી બસસ્ટેન્ડ પાસે શૌચાલય જવાના બહાને છૂમંતર થઈ હતી યુવાને દલાલ તથા યુવતીના પરિવારજનોનો સંપર્ક કરતા તેમણે ચોર કોટવાલને દંડે એમ યુવાન પર જ કેસ કરવાની ધમકી આપી હતી છેતરાયાનો ખ્યાલ આવતા યુવાને વાત પડતી મૂકી હતી

Share This Video


Download

  
Report form