પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલ હીરાવતી મરીન પ્રોડક્ટ ફેકટરીના રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડ દ્વારા તેને બુઝાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોડી સાંજે આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
પોરબંદરના જાવર ખાતે આવેલ હીરાવતી મરીન પ્રોડક્ટ ફેકટરીના રેકોર્ડ રૂમમાં બપોરે સાડા ત્રણ વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી, આથી આ અંગે ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડના ફાયર સ્ટેશન અધિકારી રાજીવ ગોહેલે જણાવ્યું હતું કે, રેકોર્ડ રૂમમાં આગ લાગી હોવાથી રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાના કારણે અંદર જવામાં તકલીફ થતી હતી.
જો કે મોડી સાંજે આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગ લાગતા ફેક્ટરીના કર્મચારીઓ તુરંત બહાર આવી ગયા હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. આગના કારણે થયેલ નુકસાનનો અંદાજ કંપનીના અધિકારીઓ આવ્યા બાદ જ સામે આવશે, પરંતુ પ્રાથમિક તબક્કે કંપનીના એક દાયકાના રેકર્ડમાંથી મોટા ભાગના રેકર્ડ સળગી ગયું હોવાનું જાણવા મળે છે. આગ સહિત સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.