હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ વાટે જુદી જુદી કેનાલોમાં પાણી આપવામાં આવે છે. ત્યારે આજે હળવદના લાંબી દેરી વિસ્તારમાં મોટી
સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. અને પીયતના પાણીની માંગ કરી હતી.
ખેડૂતોએ સરકાર પાસે પીયતના પાણીની માંગ કરી
ખેડૂતોને પીયત માટે પાણી નહીં મળતા અધિકારીઓને રજૂઆત કરીને થાક્યા હોવા છતાં રજૂઆતો નહીં સાંભળતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જો પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં
આવે તો આશરે 1500 વીઘાથી વધુમાં પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જાય તેવી શક્યતા છે. ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર
ડી-19ની કેનાલમાંથી પીયત માટે ખેડૂતો પાણી લેતા હોય છે. પરંતુ કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલના વાલમાં નુકસાન કરી આગળ જતા પાણીને અટકાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને
પાછળના ખેડૂતોનો આશરે 1500 વીઘાથી વધારેનો તૈયાર થઇ ગયેલો પાક મુરઝાવાના આરે છે.
1500 વીઘાથી વધુમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા
ધ્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર ડી-19ના કાર્યપાલક ઇજનેર કે.એસ.ભાભોરને અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ રજૂઆતો ધ્યાનમાં નહીં લેતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેથી કરીને તંત્ર
દ્વારા વહેલી તકે કામગીરી કરાય તેવી ખેડૂતોએ માંગ કરી હતી. ધ્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર ડી-19ના કાર્યપાલક ઇજનેર કે.એસ.ભાભોરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, જે પણ અસામાજિક
તત્વોએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.