બિહારના ઔરંગાબાદમાં છઠ પૂજા માટે પ્રસાદ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. સિલિન્ડર વિસ્ફોટના કારણે બે માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન આગ પર કાબૂ મેળવવા આવેલા પોલીસકર્મીઓ પણ દાઝી ગયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના ઔરંગાબાદ શહેરની સૌથી સાંકડી શેરીઓમાંથી એક તેલી મોહલ્લામાં બની છે. શુક્રવારે રાત્રે ઓડિયા શેરીમાં અચાનક ગેસનો બાટલો ફાટ્યો. જેના કારણે બે માળના મકાનમાં આગ લાગી હતી. જૂના જીટી રોડ પર આવેલી મર્ફી રેડિયોની ગલીમાં અનિલ ગોસ્વામી નામના વ્યક્તિના ઘરે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. શુક્રવારે મોડી રાત્રે તેમના ઘરે મહિલાઓ છઠના તહેવારનો પ્રસાદ બનાવી રહી હતી.