ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રજાજનોને મત આપવા માટે રીઝવતા હોય છે. નેતાઓ કયારેક પ્રચાર-પ્રસાર કરતાં ભાન ભૂલી જતા હોય છે અને બેફામ નિવેદનો આપતા હોય છે. પાટણમાં ભાજપના નેતાએ જાહેરસભામાં વિવાદાસ્પદ નિવેદન આપતા હોબાળો થયો છે.
પાટણમાં ભાજપના સ્થાનિક નેતા મનોજ પટેલે જાહેરસભામાં કહ્યું કે મંદિર બનાવવું હોય તો ભાજપ સાથે રહેજો અને મસ્જિદ બનાવવી હોય તો કોંગ્રેસ સાથે જજો. ઉલ્લેખનીય છે કે પાટણના ઉમેદવાર રાજુલ દેસાઇના સમર્થનમાં રેલી યોજાઇ હતી ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. શહેરમાં હિંદુ-મુસ્લિમ ભાઈચારો બગડે તેવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ અંગે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતાં મનોજ પટેલે કહ્યું કે હું મારા નિવેદન સાથે જોડાયેલું જ છે. એમા ખોટું શું કહ્યું છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પરંતુ સંદેશ ન્યુઝ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.