ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ જશે. તે પહેલાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારો ભાન ભૂલી જે આવે તે બોલવામાં જરાય ખચકાતા નથી. દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી અધિકારીઓને ચીમકી આપી છે. ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ, નાના અધિકારીની પણ કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં તેમ કહી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપે મારી સાથે અન્યાય કર્યો છે. રૂપાણી, નીતિન પટેલ પાસે ચૂંટણી ન લડવા લખીને માગી લીધું. મારી પાસે પણ માગી લીધું હોત તો હું પણ હસતો હસતો જાન આપી દેત. મને જેલ થાય કે ફાંસી થાય વાઘોડિયાની જનતા માટે ચૂંટણી લડવાનો છું. ઉલ્લેખનીય છે કે ભાજપે ટિકિટ કાપતા અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડી રહ્યા છે.