ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ હવે નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઇ ગઇ છે. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક પૂરી થયા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્હી જવા રવાના થશે.
ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. દિલ્હીમાં બંને નેતાઓ ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન નવા મંત્રીમંડળની યાદી અંગે નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.