વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાની જમાવટ થઇ ગઇ છે. જિલ્લાના તમામ 8 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, તો હવામાન વિભાગની આગાહી મુજબ 15 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાનો હોવાથી તંત્ર એલર્ટ રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે વડોદરાના હડફ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સારી એવી આવક થતા ડેમના ગેટ ખોલવાની જરૂર પડી હતી. હડફ ડેમના 5 ગેટમાંથી ત્રીજા નંબરનો ગેટ અડધો ફૂટ સુધી ખોલી હડફ નદીમાં 670 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જળાશયમાંથી 670 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જયારે હડફ ડેમની જળ સપાટી 165.70 મીટર જોવા મળવા સાથે માતરીયા, ખાનપુર, કડાદરા, ડાંગરિયા અને મોરવા હડફ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમના ઉપરવાસમાં થઇ રહેલ સારા વરસાદને લઇ ડેમમાં પાણીની આવકમાં પણ નોંધ પાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે.