સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. મુલાયમ સિંહ ઘણા સમયથી બીમાર હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના રાજકારણના એવા રાજકીય નેતા હતા, જે કેન્દ્ર સરકારથી લઈને યુપીમાં મંત્રી અને મુખ્યમંત્રી સુધી રહ્યા.
સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના સ્વ-ઘોષિત ઉત્તરાધિકારી મુલાયમ સિંહ યાદવનો જન્મ 1939માં ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના નાના ગામ સૈફઈમાં થયો હતો. યુવાવસ્થામાં કુશ્તીના શોખીન મુલાયમ સિંહ રાજકારણમાં આવતા પહેલા શિક્ષક હતા. તેમણે 1967માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સૌથી યુવા ધારાસભ્ય બનીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી તેમની રાજકીય સફરમાં ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ એક રાજકારણી તરીકે તેમનું કદ વધતું જ ગયું.