વડોદરાઃભારત-ઇઝરાયેલ(યહુદી) વચ્ચેની ગાઢ મિત્રતાના 150 વર્ષ જૂના સાક્ષી સમાન વડોદરાની આજે ઇઝરાયેલના આસ્કેલોન શહેરના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી ઇઝરાયેલના આસ્કેલોન અને વડોદરા વચ્ચે ‘ટ્વીન સિટી’ના પ્રોજેક્ટને વેગવંતો બનાવવા માટે આ પ્રતિનિધિમંડળે વિવિધ મહાનુભાવોની સાથે તબક્કાવાર બેઠક કરી હતી
સયાજીરાવના સાશનકાળમાં 100થી વધુ બ્રિટિશ યહૂદી પરિવાર વડોદરામાં રહેતા હતા
વડોદરા સ્ટેટના સમયમાં સર સયાજીરાવ ગાયકવાડના સાશનકાળ દરમિયાન 100થી વધુ બ્રિટિશ યહૂદી પરિવાર વડોદરામાં રહેતા હતા આ પરિવારો તરફથી જે તે સમયે મહારાજાને ખાસ યહૂદીઓ માટે જ કબ્રસ્તાન અને પ્રાર્થના ખંડ માટે જગ્યા ફાળવવા વિનંતી કરાઇ હતી જેના પગલે મહારાજાએ 1875માં હાલના નિઝામપુરા વિસ્તારમાં 50 હજાર ચોરસ ફૂટ જમીન ફાળવી આપી હતી તે સ્થળે 'ઇઝરાયેલ કબ્રસ્તાન' બનાવામાં આવ્યુ હતું આ કબ્રસ્તાન આજે પણ મોજૂદ છે ઇઝારાયેલ અને ભારત સાથે ગાઢ સબંધનો અનોખો ઇતિહાસ ધરાવતા વડોદરા અને ઇઝરાયેલના આસ્કેલોન સિટી સાથે ટ્વીન સિટીથી જોડાણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કવાયત ચાલી રહી છે વડોદરા સ્થિત સંસ્થા ‘ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયલે’ મધ્યસ્થીની ભૂમિકા ભજવીને બંન્ને શહેરના મહાનુભાવોની અનૌપચારીક બેઠકો પણ કરાવી છે
ડો રિકી શાયના નેતૃત્વ હેઠળ 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ વડોદરા આવ્યું
‘ફ્રેંન્ડઝ ઓફ ઇઝરાયેલ’ના કો-ઓર્ડિનેટર નિકિતન કોન્ટ્રાક્ટરના થકી આજે વધુ એક પ્રયાસ થયો હતો આક્સેલોનના મેમ્બર ઓફ કાઉન્સિલ ડો રિકી શાયના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ આજે વડોદરા આવ્યું હતુ તેઓએ શૈક્ષણિક, સાસ્કૃતિક તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રમાં બંન્ને શહેરો વચ્ચે આદાન-પ્રદાન વધુને વધુ ગાઢ બને તેવા પ્રયાસ કરવા માટે આજે મેયર ડો જીગીશાબેન શેઠ, ડે મેયર જીવરાજ ચૌહાણ, તથા મ્યુનિ કમિશ્નર નલીન ઉપાધ્યાયની સાથે બેઠક કરી હતી તેની સાથે સાથે તેઓએ વડોદરાના નેતાઓ અને અધિકારીઓને આસ્કેલોન આવવા માટે આમંત્રણ પણ આપ્યુ હતુ
બે શહેરોના પ્રતિનિધીઓની મુલાકાતો ઉત્તરોત્તર વધવા માંડી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વડોદરાના પૂર્વ મેયર ભરત શાહના નેતૃત્વ હેઠળ પદ્મશ્રી ડો મુનિ મહેતા, નિકિતન કોન્ટ્રાક્ટર સહિત આગેવાનોએ આસ્કેલોનની મુલાકાત લીધી હતી ત્યારબાદ આક્સેલોન ઇઝરાયેલનું એક પ્રતિનિધિમંડળ વડોદરા આવ્યુ હતુ આમ બે શહેરોના પ્રતિનિધીઓની મુલાકાતો ઉત્તરોત્તર વધવા માંડી છે