ભારતમાં શિયાળાની શરૂઆતની સાથે જ વાયુ ગુણવત્તા કથળી છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તર ભારતની છે. ઉત્તરપ્રદેશમાં એક્યૂઆઇ સતત ખતરનાક સપાટીએ રહે છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાં તો ધુમ્મસ અને ધુમાડાની ચાદર પથરાઇ ગઇ હોવાથી લોકોને શ્વાસ લેવો ભારે પડી રહ્યો છે. શુક્રવારે તો દિલ્હીની વાયુ ગુણવત્તા ગંભીર કક્ષામાં આવી ગઇ. સવારના સમયે દિલ્હીનો એક્યૂઆઇ 472 નોંધાયો હતો. ગ્રેપ (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન)ના ત્રીજા તબક્કામાં અમલી બનેલા પ્રતિબંધો પણ વાયુ ગુણવત્તાને અંકુશમાં રાખવામાં વામણા પુરવાર થતાં ગ્રેપના ચોથા ચરણનો અમલ શરૂ થયો છે. દિલ્હી વિશ્વ વિદ્યાલય નજીકના વિસ્તારોમાં એક્યૂઆઇ 563, નોઇડા (ઉ.પ્રદેશ)માં 562 તો ગુરુગ્રામ (હરિયાણા)માં એક્યૂઆઇ 539 નોંધાયો છે.
આ સ્થિતિ માત્ર દિલ્હી સુધી સીમિત નથી. સરેરાશ આંકડાને જોવામાં આવે તો સમગ્ર વિશ્વમાં ભારતમાં પ્રદૂષણની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. ભારતના મોટાભાગનાં શહેરોમાં સવારે એક્યૂઆઇ આંક 500ને પાર થઇ ગયો. તે ખતરનાક સપાટીએ જ કહી શકાય.