વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રાી હિરાબાની તબિયત લથડતા બુધવારે સવારે તેમને અમદાવાદ સ્થિત સિવિલ કેમ્પસમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામા આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હાલ હોસ્પિટલમાં હીરાબાની તબિયત સુધારા પર છે. 24 કલાક સુધી હીરાબાને હોસ્પિટલના તબીબોના ઓબ્ઝર્વેશનમાં રખાશે.
બીજીબાજુ ગઇકાલે બાની તબિયત નાદુરસ્ત હોવાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી બપોરે સાડા ત્રણ કલાકે અમદાવાદ આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હિરાબાને મળી ખબર અંતર પુછયા હતા. જ્યાં દોઢ- બે કલાકના રોકાણ બાદ માતાની તબિયત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવતા સાંજે સાડા પાંચેક વાગ્યે તેઓ દિલ્હી પરત જવા રવાના થયા હતા. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાના સમાચારો વહેતા થતા દિવસભર સૌ કોઈએ તેઓ ઝડપથી સ્વસ્થ થાય અને તંદુરસ્ત થઈને સ્વગૃહે પરત ફરે તેવી પ્રાર્થનાઓ થતી રહી હતી.